10 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ વિસ્તારોમાં….
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે. જો કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગસ્ટના ચોથા રાઉન્ડમાં પણ રાજ્યમાં ભારે વરસાદ પડશે. જો કે જુલાઈની સરખામણીએ વરસાદ ઓછો રહેશે.
19 થી 21 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે જે ગુજરાતમાં વરસાદ લાવશે.હવામાન વિભાગના નિયામક ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી.
અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે છે. હાલમાં ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યના તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થશે. ઉપરાંત, હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી નથી. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા અને હળવા વરસાદની આગાહી કરી છે.
દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 10 ઓગસ્ટ પછી સતત આઠ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
જોકે તેમણે કહ્યું કે આ વરસાદ સૌરાષ્ટ્ર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. 10 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી વરસાદનો સમયગાળો રહેશે. ત્યારે 21 ઓગસ્ટ પછી વરસાદી મોસમ વધુ તીવ્ર અને તોફાની બનશે. નોંધનીય છે કે રાજ્યમાં સિઝનનો કુલ 79.33 ટકા વરસાદ પડ્યો છે.
જેમાં કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 63.47 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં પડ્યો છે.
નોંધનીય છે કે, મંગળવારે સવારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.98 મીટરે નોંધાઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આ ડેમને મહત્તમ ભરાવવામાં હજી થોડા જ મીટરની વાર છે.
હાલ પાણીની આવક 22,119 ક્યુસેક નોંધાઇ છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 52,025 ક્યૂસેક થઇ છે. જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં 44,356 ક્યૂસેક પાણીની જાવક થઇ છે. 24 કલાકમાં સપાટીમાં 15 સે.મી.નો વધારો થયો છે