આ રીતે ઉભું કર્યું પિતાની કુકિંગ ઓઇલની કંપનીથી અબજોની IT કંપનીનું સામ્રાજ્ય

બેંગલુરુઃ વિપ્રો અને ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રીના એક યુગની સમાપ્તિ થવા જઈ રહી છે. પોતાના પિતાની કુકિંગ ઓઇલ કંપનીને 1.8 લાખ કરોડની ગ્લોબલ આઈટી પાવરહાઉસ કંપનીમાં ફેરવી નાખનાર અઝિમ પ્રેમજી 30 જુલાઈના રોજ રિટાયર થવા જઈ રહ્યા છે. રિટાયર્મેન્ટના પહેલા 74 સાલના થવા જઈ રહેલા અઝિમ પ્રેમજીએ 53 વર્ષ સુધી વિપ્રો કંનપીનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પિતાના મૃત્યુ બાદ 1966માં કંપનીનો કારોબાર સંભાળ્યો હતો.

Advertisement

જોકે વિપ્રોનો પાયો તો 1945 માં જ પડી ગયો હતો જ્યારે અઝિમ પ્રેમજીના પિતા હશમ પ્રેમજીએ વેસ્ટર્ન ઇન્ડિયા વેજિટેબલ પ્રોડક્ટ્સ લિમિટેડ નામથી મહારાષ્ટ્રના અમલનેરમાં એક કુકિંગ ઓઇલ કંપની શરુ કરી હતી. 1966માં જ્યારે તેમનું મૃત્યું થયું તો 21 વર્ષના અઝિમ સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના સ્ટૂડન્ટ હતા. તેમણે પરિવારના કારોબારને સંભાળવાની જવાબદારી ઉઠાવી લીધી હતી.

જે બાદ લગભગ દોઢ દશક સુધી પરિવારના તેલના કારોબારને ચલાવ્યા બાદ તેમની નજર ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી પર પડી હતી. 1980 માં તેમણે કંપનીનું નામ બદલીને વિપ્રો કર્યું. આ સાથે જ તેમણે ટેક્નોલોજી ક્ષેત્રમાં વિસ્તાર કરવાનું શરું કર્યું. IBM ભારતની બહાર જતા જ તેમણે પર્સનલ કોમ્પ્યુટર બનાવવાનું પણ શરું કર્યું. આ સાથે જ સોફ્ટવેર સર્વિસિઝનું વેચાણ પણ શરું કર્યું. 1989 માં તેમણે અમેરિકન કંપની GE સાથે મળીને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે જોઈન્ટ વેન્ચર સ્થાપિત કર્યું.

1990 માં વિપ્રોએ IT સર્વિસ બિઝનેસમાં એન્ટ્રી કરી. કંપનીનો સોફ્ટવેર બિઝનેસ તેના હાર્ડવેર કરતા ક્યાંય આગળ વધી ગયો. વિપ્રોને બીજા દેશોમાંથી પણ કામ મળવા લાગ્યું. અઝિમ પ્રેમજી એક બેહદ સફળ કારોબારી બની ગયા હતા. પરંતુ પોતે ભણવાનું પૂરું કરી શક્યા નહોતા જેનો તેમને વસવસો હતો. 1995 માં તેમણે ફરી ભણવાનું શરું કર્યું અને કોરસ્પોન્ડેન્સ ક્લાસિસ દ્વારા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એન્જિનિયરિંગની ડિગ્રી પૂરી કરી.

2000 નું વર્ષ પણ અઝિમ પ્રેમજીના બિઝનસ સફરમાં ખૂબ જ મહત્વનું છે. કંપનીનો વિસ્તાર આ દરમિયાન અમેરિકા સુધી પહોંચી ગયો હતો. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ સાથે BPO બિઝનેસની શરુઆત થઈ. તો આ સાથે જ સમાજ સેવા માટે અઝિમ પ્રેમજી ફાઉન્ડેશનની શરુઆત થઈ.

1997 થી 2002 વચ્ચે આ કંપની સૌથી ઝડપી વેલ્થ ક્રિએટર બની ગઈ હતી. 2004 માં કંપનીની નેટવર્થ 1 અબજ ડૉલર પહોંચી ગઈ. 2005 માં કંપનીના CEO નું પદ પણ તેમણે જ સંભાળ્યું. જે બાદ બે વર્ષ પછી તેમના દીકરા રિશદ પ્રેમજીએ પણ વિપ્રોને જોઈન કરી. તેમણે ફાઇનાન્સિયલ સર્વિસિઝ ડિવિઝનથી પોતાના સફરની શરુઆત કરી. 2015 માં તેમને વિપ્રો બોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યા.

વિપ્રોમાં પ્રેમજી પરિવારની 74 ટકા ભાગીદારી છે. ગત વર્ષે વિપ્રોના સોફ્ટવેર બિઝનેસનો રેવન્યૂ લગભગ 8.5 અબજ ડૉલર પહોંચી ગયો હતો. જ્યારે કંઝ્યુમર ગુડ્સ, ઇન્ફ્રાસ્ટક્ચર એન્જિનિયરિંગ અને મેડિકલ ડિવાઇસિઝ બિઝનેસમાં જોડાયેલ વિપ્રો એન્ટરપ્રાઇઝે 2 અબજ ડૉલરનું ટર્નઓવર નોંધાવ્યું હતું.

દેશના ઉદ્યોગપતિઓમાં પ્રેમજી સૌથી વધુ ડોનેશન આપવાવાળાઓમાંથી એક છે. માર્ચ મહનામાં તેમણે વિપ્રોમાં પોતાના શેરના 34 ટકા અઝિમ પ્રેમજી ફાઉન્ડેશનને આપવાની ઘોષણા કરી હતી. આ મુખ્યરીતે એજ્યુકેશન પર ફોકસ કરતી સંસ્થા છે. તે અત્યાર સુધી પોતાની સંપત્તિના 67 ટકા એટલે કે લગભગ 1.45 લાખ કરોડ રુપિયા આ સંસ્થાના નામે દાન આપી ચૂક્યા છે. ફાઉન્ડેશને 2010 માં અઝિમ પ્રેમજી યુનિવર્સિટીની કોઈપણ લાભ વગરના એકમ નોન પ્રોફિટેબલ એકમ તરીકે શરુઆત કરી હતી.

સામાન્ય રીતે ખૂબ ઓછું બોલાતા અઝિમ પ્રેમજીએ બે વર્ષ પહેલા વિદ્યાર્થીઓ સાથે એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ‘વિપ્રોની શરુઆત મારા પિતા હશમ પ્રેમજીએ કરી હતી. મને લાગે છે કે મે તો પ્રોડક્ટ રેન્જ વધારવામાં અને ડાયવર્સિફિકેશનમાં જ યોગદાન આપ્યું છે.’ વિપ્રો લિમિટેડના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને ચેરમેન (બોર્ડ ગવર્નન્સ, નોમિનેશન એન્ડ કંપનશેસન કમિટી) અશોક એસ. ગાંગુલીએ કહ્યું કે ‘અમે પ્રેમજીનું તેમના વિઝન, ઉત્કૃષ્ટ નેતૃત્વ અને વિપ્રો અને ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીને મજબૂતાઈ આપવા માટે તેમના અસાધારણ યોગદાનના સદાઋણી છીએ અને તેમને ધન્યવાદ આપીએ છીએ.’

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here