ફોર્સ અને રેલવેને સુરક્ષા આપવા પિયુષે ‘ઈન્ક્યૂબેટર SI 36’ સ્ટાર્ટઅપ શરૂ કર્યું, અત્યાર સુધી 250 ડ્રોન બનાવી ચૂક્યો છે

ઈરાદા મજબૂત હોય તો ગમે તે સપનું સાકાર કરી શકાય છે. જ્યારે કરિયર પસંદ કરવાનો સમય આવે તો શાંતિપૂર્વક સમજી-વિચારીને લીધેલો નિર્ણય જ સફળતા અપાવે છે. છત્તીસગઢના રાયપુર શહેરની યુનિવર્સિટીમાંથી પાસ આઉટ એન્જિનિયર પીયુષ ઝાએ સ્ટાર્ટઅપમાં મેળવેલી સફળતા આ કથનને સાર્થક કરે છે. 32 વર્ષના પિયુષનો એક સમય એવો હતો કે એરોનોટિકલ એન્જિનિયરિંગનું ભણવાના કારણે તેને ડ્રોન બનાવવામાં રસ હતો. પરંતુ આ માટે કોઈ બેંક તેને લોન નહોતી આપી રહી.

Advertisement

અન્ય વિદ્યાર્થીઓની જેમ તેણે પણ સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો અને છાત્રાલયના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પસંદગી પામ્યો. એકબાજુ નોકરી અને બીજી બાજુ સપનું. આ અસમંજસમાંથી પસાર થઈ રહેલા પિયુષે આખરે નોકરી ન પસંદ કરીને પોતાનું સપનું પસંદ કર્યું. માત્ર 45 હજાર રૂપિયાનું રોકાણ કરીને પિયુષે ‘ઈન્ક્યૂબેટર SI 36’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. પિયુષનો વ્યવસાય માત્ર બે વર્ષમાં 3.50 કરોડનું ટર્નઓવર વટાવી ગયો છે. તેણે બનાવેલા ડ્રોનની અત્યારે અનેક પ્રદેશોમાં ઘણી માગ છે.

પિયુષે આ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ઘણી બેંકોમાં લોન લેવા માટે અરજી કરી હતી. પરંતુ કોઇ તેને લોન આપવા તૈયાર ન થયું. ઘણી મહેનત અને મુશ્કેલીઓ પછી એક બેંક તેને 45 હજાર રૂપિયાની લોન આપવા તૈયાર થઈ. અહીંથી જ પિયુષે શરૂઆત કરી. પિયુષ આ વિશે વાત કરતાં કહે છે કે, ‘કરિયરમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે તમારા માટે નિર્ણય લેવો સરળ નથી હોતો. અહીં જ તમારી સાચી પરીક્ષા થાય છે. પરંતુ તે વખતે મગજ શાંત રાખીને લાંબાગાળાનું વિચારીને નિર્ણય લેવો જોઇએ.’ છત્તીસગઢની સાથે ત્રણ અન્ય રાજ્યોમાં પણ ‘ઈન્ક્યૂબેટર SI 36’ સ્ટાર્ટઅપ ડ્રોન સપ્લાય કરી ચૂક્યું છે.

અત્યાર સુધી 250 ડ્રોન તૈયાર કરી ચૂક્યાં છે

પિયુષે પોતાનાં સ્ટાર્ટઅપ વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘મેં મારી સાથે અન્ય 12 યુવાનોને જોડીને એક ટીમ તૈયાર કરી છે. રેલવેએ અમને પાટાઓની દેખરેખ રાખવા ડ્રોન બનાવવાની કામગીરી સોંપી છે. બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં કાર્ય માટે હાજર સીઆરપીએફ, બીએસએફ અને રાજ્ય પોલીસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમને ડ્રોન બનાવવાની જવાબદારી આપી છે. નક્સલ વિસ્તારો માટે અમારા બનાવેલા ડ્રોન વરદાનરૂપ સાબિત થઈ રહ્યા છે. અત્યાર સુધી અમે આશરે 250 ડ્રોન તૈયાર કરીને વિવિધ પ્રદેશોમાં મોકલી ચૂક્યા છીએ.’

ડ્રોન ખરીદવા માટે વિશેષ મંજૂરી મળી

ડ્રોન બનાવવા માટે જરૂરી પાર્ટ્સમાં સામેલ નાના લેન્સવાળા કેમેરા વગેરે વિદેશોમાંથી મગાવવા પડે છે. ડ્રોન બનાવવા માટેના ઘણા પાર્ટ્સ પર કસ્ટમ પર પ્રતિબંધ છે. એવામાં બીએસએફ અને સીઆરપીએફની ખાસ પરવાનગી મેળવીને તેઓ વિદેશમાંથી ડ્રોન બનાવવા માટે જરૂરી પાર્ટ્સ વિદેશોમાંથી મગાવી રહ્યા છે.

છત્તીસગઢને ડ્રોનનું હબ બનાવવાનો હેતુ

પિયુષ પોતાનું સપનું જણાવતાં કહે છે કે, ‘મારો હેતુ છત્તીસગઢને ડ્રોનનું હબ બનાવવાનો છે. રાજ્ય સરકારની વિશેષ પરવાનગીથી અમે છત્તીસગઢના તમામ જિલ્લાઓના પાંચ વિદ્યાર્થીઓને ડ્રોન બનાવવાનું શીખવાડી રહ્યા છીએ. અમારી તૈયારી એવો ડ્રોન બનાવવાની પણ છે જે 20થી 25 કિલો સુધીનું વજન ઉપાડીને ઉડી શકે. તેનાથી ખેતરમાં જંતુનાશકોના છંટકાવમાં મદદ મળશે. આ ઉપરાંત, અન્ય ઘણાં મહત્ત્વપૂર્ણ કામ આ ડ્રોનથી થઈ શકશે.’

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here