ઘર સાફસુથરું રાખવાનો શોખ હતો, આ શોખે જ બનાવી દીધી યુટ્યુબ સ્ટાર

ઘણી ભારતીય મહિલાઓ માટે લગ્ન પછી નોકરી કરવી શક્ય નથી બનતી. પારિવારિક જવાબદારીઓને કારણે તેમણે ઘરે બેસવાનો વારો આવે છે. પરંતુ શું ઘરે બેઠા એટલે કારકિર્દી ખતમ? બિલકુલ નહિ. આવી મહિલાઓએ ફેમસ યુટ્યુબર આશુ ખટ્ટરમાંથી પ્રેરણા લેવા જેવી છે.

Advertisement

ઘર સાફસુથરું રાખવાના સાવ સામાન્ય જણાતા શોખને તેમણે એ રીતે પ્રોફેશનમાં ઢાળી દીધો કે આજે લાખો લોકો તેમને યુટ્યુબ પર ફૉલો કરે છે. આજે તેમની યુટ્યુબ ચેનલ સિમ્પ્લિફાય યોર સ્પેસના 5.64 લાખ સબસ્ક્રાઈબર્સ છે અને તેમના દરેક વિડીયોને દેશ-દુનિયામાંથી લાખો લોકો જુએ છે.

આશુ ખટ્ટરે પોતાની જ ચેનલ પર અપલોડ કરેલા એક વિડીયોમાં જણાવ્યું હતું કે તેમનું સપનું ખરેખર તો એર હોસ્ટેસ બનવાનું હતું પરંતુ એ શક્ય ન બન્યું. એર હોસ્ટેસ એકેડમીમાં ભણતી વખતે જ તેમને લા મેરિડિયન હોટેલમાં જોબ મળી ગઈ અને દિલ્હી અને મસ્કતમાં કામ કરવાનો મોકો પણ મળ્યો. 2007 માં તેમને યુ.એસની રોયલ કેરેબિયન ક્રૂઝ પર પાંચ વર્ષ કામ કરવાનો મોકો મળ્યો. એ સમયે તે આખી દુનિયામાં ફરતા ફરતા ઘણું શીખ્યા.

2017 નું વર્ષ આશુના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની ગયો. તેમના ઘરે પુત્રનો જન્મ થયો તેના થોડા જ સમય બાદ માતાનું અવસાન થઈ ગયું અને પતિની મુંબઈથી ચેન્નાઈ ટ્રાન્સફર થઈ ગઈ. આશુ માટે ચેન્નાઈના નવા માહોલમાં સેટ થવું આસાન નહતું. ભાષા જુદી પડતી હતી, માહોલ પણ સાવ જુદો હતો. વળી બાળક સાવ નાનુ હોવાથી નોકરી કરવી શક્ય નહતી. એ વખતે તે પોતાનું માઈન્ડ ડાઈવર્ટ કરવા યુટ્યુબ પર વિડીયોઝ જોતા અને ઘર સાફસુથરું રાખવામાં મન પરોવતા.

આશુના ઘરની મુલાકાત લેનારા બધા જ તેની સૂઝ-સમજના ખૂબ જ વખાણ કરતા અને આ સાથેસાથે ઘર ઓર્ગેનાઈઝ કરવા માટેની ટિપ્સ પણ માંગતા. આશુ તેમને ઘર ગોઠવવા માટે જાતજાતના આઈડિયા આપતી. ત્યારે જ તેમને એક એવી યુટ્યુબ ચેનલ શરૂ કરવાનો આઈડિયા આવ્યો જેમાં તે આ ટિપ્સ લોકો સાથે શેર કરી શકે અને મદદરૂપ બની શકે.

હોમ ઓર્ગેનાઈઝેશન પર ફોરેન ચેનલ્સ છે પરંતુ તે ભારતીયોને અનુરુપ નથી અને વળી તેમાં જણાવેલા ટૂલ્સ પણ અહીં ઉપલબ્ધ નથી. આશુએ તેની ચેનલને ઈન્ડિયન ટચ આપ્યો, આ ઉપરાંત નાના ઘરમાં રહેતા, ભાડે રહેતા લોકોને ખાસ ધ્યાનમાં રાખી વિડીયોઝ બનાવવાનો વિચાર કર્યો.

જો કે યુટ્યુબ ચેનલનો વિચાર આવ્યાના છ મહિના સુધી આશુ તેના પર કામ ન કરી શક્યા. ચેન્નાઈથી મુંબઈ શિફ્ટ થયા બાદ તેમણે યુટ્યુબ વિડીયો શૂટ કરવાનું શરૂ કર્યું. 10 ડિસેમ્બર 2016 ના રોજ પહેલો વિડીયો આઈફોનથી શૂટ કરીને યુટ્યુબ પર અપલોડ કર્યો અને છ જ દિવસમાં 100 સબસ્ક્રાઈબર્સ મળી ગયા.

30 ડિસેમ્બરમાં આ સંખ્યા વધીને 1000 થઈ ગઈ. તેના છ જ દિવસ બાદ એટલે કે 5 જાન્યુઆરી 2017 ના રોજ સબસ્ક્રાઈબર્સ વધીને 10,000 થઈ ગયા અને જુલાઈ 2017 સુધીમાં તો 1 લાખનો આંકડો વટાવી ગયા. આજે તેમની ચેનલ પર કુલ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 5.65 લાખ જેટલી છે.

આ ચેનલ પર ઘરને સ્વચ્છ રાખવા માટેની દરેક ટિપ્સ તમને મળી રહેશે. રસોડુ, બાથરૂમ ક્લીન કરવાથી માંડીને કબાટ કેવી રીતે ગોઠવવો, કપડા કેવી રીતે ઘડી વાળવા, કાર કેવી રીતે ચોખ્ખી રાખવી, ચાદર કેવી રીતે પાથરવી, ઓછી જગ્યામાં વધુ સામાન કેવી રીતે સમાવવો વગેરે અનેક વિષયો પર તમને વિડીયોઝ જોવા મળશે.

આશુ પોતે ફોરેન યુટ્યુબ ચેનલ્સ પણ ફૉલો કરે છે અને ભારતીય સંદર્ભમાં તેના દર્શકોને ટિપ્સ આપે છે. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં તેમનો બહોળો અનુભવ પણ તેમને મદદ કરે છે. આજે તેમના દરેક વિડીયોઝને લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ મળે છે. આધુનિક જમાનામાં ઘરે બેસીને પણ મહિલાઓ પોતાની કરિયર બનાવી શકે છે તેનું આશુ ખટ્ટર એક ઉમદા ઉદાહરણ છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here