ગુજરાતના ઈતિહાસના પાનામાં અમુક એવી ગોજારી ઘટનાઓ લખાઈ ચૂકી છે જે ક્યારેય ભૂલાઈ એમ નથી. તેમાંથી એક ઘટના એટલે મચ્છુ જળ હોનારત. આજથી 40 વર્ષ પહેલાં 11 ઓગસ્ટ 1979ની જળ હોનારતની એ ઘટના મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી.ભલભલાનું કાળજું કંપાવી દેનારી આ ઘટનાએ ઔધોગિક નગરી મોરબીને તબાહ કરી દીધી હતી.
10 ઓગસ્ટ 1979ની એ કાળ રાત્રે મોરબી પંથકમાં 25 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં પડેલાં ભારે વરસાદના કારણે મચ્છુ ડેમમાં જોરદાર પાણીનો પ્રવાહ આવ્યો હતો. ડેમમાં અફાટ પાણીની આવક થતાં ગામ લોકો જાતે દરવાજા ખોલવા લાગી ગયા હતા. જોકે લાઈટ ન હોવાથી હેન્ડલથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવામાં હતો અને કમનસીબે દરવાજા ખૂલ્યા નહોતા. ડેમ પાણીનો માર સહન ન કરી શકતાં અંતે પાસે આવેલા નવાગામ બાજુનો માટીનો પાળો તૂટયો હતો. પાણીનો એવો તે પ્રવાહ વહ્યો કે ગામનો ગામને ઝપટમાં લીધા હતા. ગામોનો વિનાશ કરતો પાણીનો પ્રવાહ મોરબી શહેરમાં પ્રવેશ્યો હતો અને 30 ફૂટ ઉંચા પાણીનો મોજા મોરબીમાં ફરી વળ્યા હતા.
આ હોનાતરથી અંદાજે 8 હજાર જેટલા કાચા-પાકા મકાનો નાશ પામ્યા હતા. સરકારના રિપોર્ટ મુજબ આ હોનારતથી 1439 માનવ અને 12,849 પશુઓએ જીવ ગુમાવ્યા હતા. માણસો અને પશુઓના મૃતદેહો થાંભલા અને મકાનો પર ચોંટી ગયા હતા. મૃતદેહોનો એવડો તો ખડકલો થયો કે સામુહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અત્યંત ભારે વરસાદ અને પૂરને કારણે ૪ કિમી લાંબા મચ્છુ-૨ બંધની દિવાલોમાં ગાબડાં પડ્યા હતા. બંધના સ્પિલવેની ક્ષમતા ૫,૬૬૩ મી³/સે હતી, જ્યારે વાસ્તવમાં પાણી બંધની ક્ષમતા કરતા ત્રણ ગણું એટલે કે ૧૬,૩૦૭ મી³/સે પર પહોંચતા બંધ તૂટી પડ્યો હતો. ૨૦ મિનિટમાં જ ૧૨થી ૩૦ ફીટ (૩.૭ થી ૯.૧ મીટર)ની ઉંચાઇના પાણી મોરબીના નીચાણ વાળા વિસ્તારમાં ફરી વળ્યાં હતા, જે બંધથી ૫ કિમી દૂર આવેલું શહેર હતું. બંધના ફરીથી બાંધકામ સમયે બંધની ક્ષમતા ચાર ગણી વધારીને ૨૧,૦૦૦ મી³/સે કરવામાં આવી હતી.
આ બંધ તૂટવાની ઘટનાને ગિનેસ બૂક ઓફ રેકોર્ડ્સમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી હતી.(૧૯૭૫ની બાન્કિઓ બંધ હોનારતની વિગતો ૨૦૦૫માં જાહેરમાં મૂકાઇ એ પહેલાં.નો વન હેડ અ ટંગ ટુ સ્પિક નામના પુસ્તકમાં ટોમ વૂટેન અને ઉત્પલ સાંડેસરાએ સરકારી દાવાને નકારી કાઢ્યો હતો કે બંધ તૂટવાની ઘટના કુદરતી આફત હતી અને તેમણે બાંધકામ અને સંદેશાવ્યવહાર ખામીઓને કારણે દુર્ઘટના ઘટી અને વિસ્તરી હોવાનું જણાવ્યું છે.વધુમાં, નાણાંકીય નુકશાન પણ ભારે થયું હતું. પૂરને કારણે પાક અને અનાજ ઉત્પાદનની ક્ષમતા પર ભારે અસર પડી હતી.
મોરબીના મહારાજાએ ૧૯૨૮માં ડેમ બાંધવાની વિચારણા કરી હતી. પરંતુ તે વખતે તત્કાલિન હાઈડ્રો એન્જીનીયર વિશ્વૈશ્વરૈયાએ મહારાજાને ચેતવ્યા હતા કે સૂચીત જગ્યાએ બંધાનારો ડેમ મોરબી માટે આશીર્વાદરૂપ નહી પરંતુ મોરબીના વિનાશનું કારણ બનશે.
જેથી સલાહ બાદ મહારાજાએ આ યોજના પડતી મુકી હતી. આઝાદ ગુજરાત સરકારે જ્યારે આ ડેમ બાંધવાનુ નક્કી કર્યુ ત્યારે વર્ષો પહેલાની ચેતવણી તો ભુલાઈ જ ગઈ હતી પરંતુ કેન્દ્ર સરકારે સૂચવેલી કેટલીક ટેકનીકલ બાબતોને પણ અવગણવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે ડેમનુ સૂચિત સ્થળ બદલવાનુ કહ્યું હતુ. બીજી તરફ પૂર આવે તો ડેમમાં કેટલુ પાણી ભરાય અને મહત્તમ કેટલુ પાણી છોડી શકાય તેની ગણતરી પણ યોગ્ય રીતે થઈ ન હતી.ગણતરી માટે નવી ટેકનીકલ પધ્ધતિ અપનાવવાના કેન્દ્ર સરકારના સૂચનોની અવગણના થઈ હતી.
મોરબી અને માળીયાની પ્રજાને ડેમ તુટવાની શક્યતાઓ અંગે સમયસર ચેતવણી પણ મળી નહતી અને તેના કારણે હોનારતમાં મરનારાઓની સંખ્યા વધી ગઈ હતી.ટેલીફોન તથા તારની સુવિધાઓ બગડી ગઈ હોવાથી ડેમ સાઈટ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે ચેતવણી આપવાનુ મુશ્કેલ બની ગયુ હતુ.
આગામી સમયમાં રિલીઝ થવાનું છે આ ઘટનાની ઝાંખી કરાવતું ફિલ્મ મોરબીમાં સર્જાયેલી મચ્છુ જળ હોનારતની ઝાંખી કરાવતી ‘મચ્છુ એક્ટ ઓફ ગોડ’ ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું છે, આ ફિલ્મમાં મયુર ચૌહાણે લીડ રોલ કર્યો છે. તેમની સાથે આ ફિલ્મમાં જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર અને ગૌરાંગ આનંદ પણ જોવા મળશે. આ ફિલ્મ જતિન પટેલે પ્રોડ્યુસ કરી છે તથા શૈલેષ લેઉઆ ડિરેક્ટ કરી રહ્યા છે. શૈલેષ લેઉઆ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કાર્યરત છે. તથા આ ફિલ્મની પટકથા જય ભટ્ટ તથા શૈલેષ લેઉઆએ લખી છે.