આજે જાણો મગર મા ખોડિયાર નું વાહન કેવી રીતે બન્યો?, જાણો મા ખોડિયારના વાહન વિશે…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે કેવીરીતે મગર મા ખોડિયારનુ વાહન કહેવાય છે.ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.

Advertisement

તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.તો મિત્રો ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળ નામનો એક ચારણ રહેતો હતો. જે માલધારીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો. આ ચારણપુત્ર પર માતા સરસ્વતીની કૃપા અપરંપાર હતી.

એને જીભે સરસ્વતી હોવાથી વલ્લભીપુરના રાજા શિલાદિત્યનો માનીતો હતો અને તેને દરબારમાં સૌ કોઇ મામળદેવ તરીકે ઓળખતા હતા અને તેમનાં પત્ની દેવળબા પણ અત્યંત ધાર્મિક અને પરગજુ સ્વભાવનાં હતાં. ઘરે ખૂબ જ લક્ષ્મીનો વાસ હતો પણ આ સુખી સંસારમાં શેરમાટીની ખોટ હતી. વલ્લભીપુરના રાજદરબારમાં મામળદેવની વધતી જતી લોકચાહનાથી અનેક ઇર્ષાળુઓને મામળદેવ હવે આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા. ઇર્ષાળુ લોકોએ એકદિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી કે મામળદેવ નિ:સંતાન છે.

તેનું મોં જોવાથી અપશુનક થાય અને આપણું રાજપાઠ એક દિવસ ચાલ્યું જાય તો નવાઇ નહીં. રાજા શિલાદિત્ય ઇર્ષાળુ લોકોની વાતમાં આવી ગયા. એકવાર રાજાએ મામળને કહ્યું કે ભાઇ મારે વાંઝિયાનું મોઢું નથી જોવું માટે તું અહીંયાં આવીશ નહીં. મામળ તો ખૂબ જ દુ:ખી થયો. લોકો પણ મામળને વાંઝિયા મહેણું મારવા લાગ્યા. મામળ દુ:ખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે.

મામળને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી જ આરાધના કરવા છતાંય ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામળે પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે: પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તમારે ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે અને ત્યારે મામળદેવ ખુશ થઇને ઘરે ગયા.

અને પોતાની પત્નીને સઘળી વાત કરી. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહા સુદ આઠમને રવિવારના શુભદિને આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામળદેવને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ જોગડ તોગડ બીજબાઇ હોલબાઇ, સાંસાઇ અને સાત બહેનોમાં સૌથી મોટી બહેન ભવગતી જગદંબા જાનબાઇ (ખોડિયાર)અને ભાઇ મેરલદેવના જન્મના સમાચાર સાંભળતાં રોહિશાળા ગામમાં આનંદ છવાઇ ગયો હતો જાનબાઇ ખોડિયાર નામે પૂજાયાં.

એકવાર જાનબાઇના એકના એક ભાઇ મેરલદેવને ખેતરમાં ઝેરી સાપે ડંખ માર્યો અને ઝેર એવું હતું કે ઊતરવાનું નામ જ નહોતું લેતું અને આ જોઇને સાતેય બહેનોના જીવ અધ્ધર થઇ ગયા મેરલદેવને ઝેર ચડતું જતું હતું અને આવા સમયે બધા જ જુદા જુદા ઉપાયને અજમાવતા હતા પણ એક સાધુએ કહ્યું કે આ ઝેર પાતાળમાં નાગલોક પાસે રહેલા અમૃત જળથી ઊતરી શકે પણ જો આ જળને સૂર્યાસ્ત પહેલાં લાવવામાં આવે તો જ આ મેરલદેવનું જીવન શક્ય છે અને બસ આટલું જ સાંભળતાં જ જાનબાઇ મેરલદેવનો જીવ બચાવવા માટે પાતાળલોકમાં જવા નીકળી ગયા.

જ્યારે જાનબાઇ પાતાળલોકમાંથી અમૃત કળશ લઇને આવતાં હતાં ત્યારે ઉતાવળને લીધે તેમના પગમાં ઠેસ વાગી, કારણ કે સૂર્યાસ્ત પહેલાં કળશનું અમૃત મેરલદેવ સુધી પહોંચાડવાનું હતું અને પગમાં ઇજાને કારણે જાનબાઇ ચાલી શકતાં ન હતાં તેથી તેમણે મગરની મદદ લીધી. તે મગર પર બેસીને મેરલદેવ સુધી પહોંચ્યાં અને મેરલદેવનો જીવ બચાવ્યો ત્યારે તો બધાના જીવમાં જાણે જીવ આવ્યો અને જાનબાઇ પગમાં ઠેસને કારણે ખોડાતાં ચાલતાં હતાં તેથી સૌ બોલ્યા કે ખોડલ આવી. બસ, આ દિવસથી જાનબાઇ મા ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં. ત્યારથી મગર જાનબાઇનું વાહન બન્યો. મગરને સોનાની વાળી નાકમાં પહેરાવી આશીર્વાદ આપ્યા અને મા ખોડિયારે કહ્યું કે આજથી તું મારું વાહન બનીશ.

શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે. તેમનાં આ સ્થાનકોએ પાણી નાં ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે તેમજ ગુજરાત નાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે.

જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે. ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે. જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે. આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીનુ ભવ્ય મંદીર ખોડલધામ – કાગવડ, તા. જેતપુર જી. રાજકોટ ખાતે મંદિરનુ નિર્માણ કરેલ છે.

Advertisement