ગુજરાતમાં આગામી 24 કલાકમાં અહીં ભારે વરસાદની આગાહી,જાણો ક્યાં ક્યાં કરાઈ આગાહી..

મેઘરાજા જતા-જતા ગુજરાતને તરબોળ કરવા માંગતા હોય તેમ ભાદરવા મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ચોમાસાની શરૂઆતમાં થોડા દિવસો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જેના કારણે રાજ્યના પ્રજાજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જ્યારે રાજ્યના ખેડૂતોને પણ ખેતરમાં ઉભો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ હતી. જો કે બાદમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી.

જે હજુ પણ યથાવત રહી છે.સૌરાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા જ ભારે વરસાદ પડ્યો હતો જે બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે જેમા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. જોકે રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ છે ત્યારે આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આમ આ સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 25 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સાથે જ મધ્ય ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવો છે.

નોંધનીય છે વલસાડમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે મધુબન ડેમની જળસપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. ડેમમાં 1.59 લાખ કયુસેક પાણીની આવક થતાં ડેમની હાલની સપાટી 79.45 મીટરે પહોંચી છે જે બાદ 10 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 1.70 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નદી ગાંડીતૂર બની છે.

લોકોને નદી કિનારાથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, એક જ દિવસમાં ડેમમાં ઉપરવાસમાંથી 18 હજાર 11 કયુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 50 સેન્ટીમીટર વધી છે જેથી હાલ ડેમની સપાટી 122.54 મીટરે પહોંચી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનાં કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માઉન્ટ આબુમાંથી નીકળતી આબુ નદી તથા બનાસ નદી વહેતી થતાં હવે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થશે.ઉપરવાસમાં સારા વરસાદનાં કારણે કડાણા ડેમની સપાટી 406 ફૂટે પહોંચી ગઈ છે, બે જ દિવસમાં ડેમની સપાટીમાં ચાર ફૂટનો વધારો થયો છે. જ્યારે બીજી તરફ વડોદરાનાં આજવા સરોવરમાં પણ એક ફૂટ જેટલી સપાટીમાં વધારો થયો છે.આ તરફ મેઘમહેર હવે મેઘ કહેર બને તેવી લાગી રહ્યું છે, કેમ કે રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદથી નદી, નાળા છલકાઈ ગયા છે તો કેટલીક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પંચમહાલના ગોધરામાં મુશળધાર વરસાદને કારણે ગદુકપૂર બ્રિજ પર પાણી ફરી વળતા બ્રીજ પરથી પાણી વહેવા લાગ્યા હતા, તો આ તરફ પંચમહાલના જાંબુઘોડામાં ધોધમાર વરસાદને લીધે ભાટ ગામે આવેલા રિસોર્ટમાં પાણી ભરાતા કલાકો સુધી પર્યટકો રિસોર્ટમાં અટવાયા હતા અને પાણીનો પ્રવાહ જોઈ રિસોર્ટમાં રહેલા લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ તરફ પાવાગઢ પોલીસે થોડા સમય માટે રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી હતી બીજી તરફ દાહોદ ભારે વરસાદને કારણે દેવગઢ બારીયાના ઐતિહાસિક ટાવર પર વીજ પડતા ટાવર ટોચનો ભાગ ધરાશયી થઈ ગયો હતો જો કે સદનસીબે કોઇ જાનહાની સર્જાઈ નહોંતી આમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા વરસાદ ક્યાંક આલહાદક દ્રશ્યો સર્જાયા હતા તો ક્યાંક આખેઆખુ ટેન્કર પાણીમાં હોડીને જેમ તરતું હોય તેવું પણ જોવા મળ્યું હતું,