ભારતમાં આ સ્થાન પર છે સ્વર્ગમાં જવાનો રસ્તો, અહીંથી જ પાંડવોએ શરૂ કરી હતી સ્વર્ગની યાત્રા,જાણો રહસ્ય..

જો તમે ઇતિહાસમાં રસ ધરાવો છો તો તમે ભારતમાં જ્યાં પણ જશો તમને એવા વિચિત્ર કિસ્સા- કથાઓ સાંભળવા મળશે જે તમને વિચાર કરવા પર મજબૂર કરી દેશે. દરેક પર્વત, દરેક પહાડ અને દરેક નદીની સાથે જોડાયેલી છે કોઇને કોઇક સ્ટોરી. જો દેવભૂમિ ઉત્તરાખંડ ફરવાની વાત કરીએ તો અહીં તો અચંબિત કરનારી રસપ્રદ કથાઓનો કોઇ અંત જ નથી.પહાડોના ખોળામાં વસેલી આવી જ એક રસપ્રદ અને રોચક કહાની છે સ્વર્ગની સીડીની! આ સ્ટોરી અંગે તમે મોટાભાગે સમાચાર ચેનલોમાં ડોક્યુમેન્ટરી જોઇ હશે. મને ક્યારેય આ જગ્યાને લઇને કોઇ ખાસ ઉત્સુકતા જોવા નથી મળી પરંતુ મારી આ માન્યતા ત્યારે બદલાઇ ગઇ જ્યારે મેં ગઢવાલમાં વેલી ઑફ ફ્લાવરની મુસાફરી દરમિયાન મારી યાત્રાને એક નવો આકાર આપીને બદ્રીનાથ જવાનું વિચાર્યું.

Advertisement

આ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી જગ્યાઓને નજીકથી જોઇ અને જાણી. આની સાથે જોડાયેલી રસપ્રદ વાર્તાઓને માના ગામના લોકો પાસેથી સાંભળી, આ જ તે ગામ છે જ્યાંથી સ્વર્ગરોહિણી અને સતોપંથ સરોવર ટ્રેકની શરુઆત થાય છે. એવું માનવામાં આવે છે કે દ્વાપરયુગમાં આ સ્થાનથી પાંડવો અને દ્રૌપદીએ સ્વર્ગની યાત્રા શરૂ કરી હતી. આ યાત્રામાં માત્ર ધર્મરાજ યુધિષ્ઠિર સફળ રહ્યા હતા. તેના અન્ય ભાઈઓ અને દ્રૌપદીનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. પરંતુ ધર્મરાજા યુધિષ્ઠિરને અંત સુધી એક કૂતરાએ સાથ આપ્યો હતો. આ સ્થાન ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામ પાસે છે અને તે સ્વર્ગારોહિણી તરીકે ઓળખાય છે.

દરિયાની સપાટીથી આશરે 15000 ફૂટની ઉંચાઈ પર સ્થિત સ્વર્ગારોહિણીની સુંદરતા એટલી અદભૂત છે કે એકવાર વ્યક્તિ ત્યાં પહોંચ્યા પછી તેને પાછા ફરવાનું મન થતું નથી. આ વિસ્તાર આખું વર્ષ બરફથી ઢંકાયેલું રહે છે. આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મેથી ઓક્ટોબરની વચ્ચે માનવામાં આવે છે. સ્વર્ગારોહિણીની આ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. બદ્રીનાથથી લગભગ 28 કિમીની આ યાત્રા તમામ મુશ્કેલ પડાવોમાંથી પસાર થાય છે. મુસાફરી દરમિયાન, બદ્રીનાથથી માણા ગામનું અંતર, 3 કિમી દૂર છે જે માટે વાહન દ્વારા મુસાફરી કરી શકાય છે, પરંતુ તે પછી યાત્રાળુઓએ 25 કિમી પગપાળા મુસાફરી કરવી પડે છે. આ દરમિયાન યાત્રાળુઓને વિશાળ જંગલ ‘લક્ષ્‍મી વન’ પાર કરવું પડે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન નારાયણની તપસ્યા દરમિયાન, લક્ષ્‍મીજીને આ વનમાં જ વસવાટ કરવાનું વરદાન મળ્યું હતું. ત્યારબાદ યાત્રાળુઓ સહસ્ત્રધારા અને ચક્રતીર્થનો આનંદ માણી શકે છે અને છેલ્લા પડાવ પર સતોપંથ તળાવ જોવા મળે છે.એવું માનવામાં આવે છે કે પાંડવોએ સ્વર્ગની યાત્રા શરૂ કરતા પહેલા સતોપંથ તળાવમાં સ્નાન કર્યું હતું. અલકનંદા નદી અહીંથી નીકળે છે. લોકો આ તળાવની પરિક્રમા પણ કરે છે, આમ કરવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. સતોપંથ તળાવથી ચાર કિમીના ચઢાણ બાદ સ્વર્ગારોહિણીના દર્શન થાય છે. આ સમગ્ર યાત્રામાં 3 થી 4 દિવસનો સમય લાગે છે.

જૂન અને ઑગસ્ટ મહિનામાં જો તમે બદ્રીનાથ જશો તો સતોપંથ અને સ્વર્ગરોહિણીની મુસાફરી કરતા હોય તેવા ઘણા સાધુ સંતો તમને મળી જશે. માનવામાં આવે છે કે સતોપંથ સરોવરની આ મુસાફરી અસલમાં સત્યના પથની યાત્રા છે. સ્વર્ગરોહિણી સુધીની યાત્રા અંગે માનવામાં આવે છે કે આ સાક્ષાત સ્વર્ગના માર્ગે ચાલવા બરોબર છે. અહીં આવનારા બધા હિન્દૂ તીર્થયાત્રીઓ માને છે કે માનવીય શરીરની સાથે જો તમે આખી ધરતીમાં ક્યાંયથી પણ સ્વર્ગમાં જઇ શકો તો તે છે સ્વર્ગરોહિણી ગ્લેશિયરનો માર્ગ.

Advertisement