હૃદયના ધબકારા અચાનક વધી જાય તો શું કરવું? એક વાર જરૂર જાણી લો..

હાલ એવો સમય ચાલી રહ્યો છે જ્યારે દરરોજ કંઈકને કંઈક નવું સાંભળવા મળી રહ્યું છે. તેવામાં લોકોની ચિંતા અને ગભરાહટ વધી જાય એ સ્વાભાવિક છે. પરંતુ કેટલાક અત્યારે સતત આ વિશે વિચારે છે તો તેઓ ક્યાં તો પરેશાન રહે છે અથવા તો તેમને પેનિક એટેક આવવાની સંભાવના વધી જાય છે. કોરોનાના સમયમાં આ પ્રકારના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જે નાની-નાની વાતો પર એગ્રેસીવ થઈ જાય છે.

Advertisement

પેનિક ઍટેકથી પીડિત વ્યક્તિના ધબકારા અચાનક વધી જાય છે, તેને પરસેવો વળે છે, ડર લાગે છે, ગળું સુકાઈ જાય છે, અસ્વસ્થતા અનુભવાતી હોવાને કારણે તેને ખુલ્લી હવામાં જવાની ઈચ્છા થાય છે. એક દિવસ તે ઘરે આવ્યો. ઓફિસમાં બૉસ સાથે થોડી બોલાચાલી થઈ હતી અને ઘરે આવ્યા પછી રોજની જેમ જમીને ઊંઘી ગયો હતો. હૃદયના ધબકારા અચાનક વધી ગયા હોય એવું તેને રાત્રે લાગ્યું. ધબકારાની ગતિ વધતી જતી હોય એવું પણ તેણે અનુભવ્યું. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી.એ પછી તેને પરસેવો વળવા લાગ્યો. ચક્કર આવતાં હોય એવું લાગ્યું. તેના મનમાં એકસાથે લાખો વિચાર આવવા લાગ્યા. તેનું ધ્યાન, મન અને શરીર એક સાથે વિચારવા લાગ્યાં હતાં કે તેની સાથે આ શું થઈ રહ્યું છે? તે વિચારવા લાગ્યો કે ટીવી, ફિલ્મો, પુસ્તકો અને અખબારોમાં ‘હાર્ટઍટેક’ વિશે જે જોયું-વાંચ્યું છે તે ‘આ જ’ છે.

તેને ખાતરી થઈ ગઈ કે તેને હાર્ટઍટેક જ આવ્યો છે. મારો સમય આવી ગયો.હવે હું મરી જઈશ એવું તેને લાગ્યું.પોતાને હૃદયની બીમારી થઈ છે એવું સમજીને તેણે ગૂગલ પર કારણો તથા તેના ઉપાય શોધવાની શરૂઆત કરી. બીજા દિવસે ડૉક્ટર પાસે ગયો અને કહી નાખ્યું કે તેને હાર્ટઍટેક આવ્યો છે.આ કથામાંનો માણસ કોઈ અન્ય નહીં, પરંતુ આપણી આસપાસની જ એક વ્યક્તિ છે. આવું આપણી સાથે પણ બની શકે છે.હૃદયના ધબકારા કારણ વિના વધી જવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનો અનુભવ અનેક લોકોને થયો હશે. આવા અનુભવને પેનિક ઍટેક કહેવામાં આવે છે.આવું વારંવાર થાય અને તમામ પ્રકારનાં લક્ષણો એકસાથે અનુભવાય તેને પેનિક સ્ટ્રેસ ડિસોર્ડર કહેવામાં આવે છે.

આપણને બધાને ઓછા-વધતા અંશે ચિંતા તો થતી જ હોય છે, પરંતુ અચાનક ચિંતા અને ભ્રમની પરિસ્થિતિ સર્જાય તેને પેનિક ઍટેક થયો એવું કહેવામાં આવે છે.પેનિક ઍટેકથી પીડિત વ્યક્તિના ધબકારા અચાનક વધી જાય છે, તેને પરસેવો વળે છે, ડર લાગે છે, ગળું સુકાઈ જાય છે, અસ્વસ્થતા અનુભવાતી હોવાને કારણે તેને ખુલ્લી હવામાં જવાની ઈચ્છા થાય છે.તેનું ધ્યાન માત્ર શરીર પર જ કેન્દ્રીત થઈ જાય છે. આવો દર્દી ભયભીત થઈને દોડાદોડી કરવા માંડે તો તેના હૃદયના ધબકારા વધી જાય અને તેને કારણે તે વધારે ભય અનુભવે. ડરને કારણે ઉપરોક્ત લક્ષણો ઘેરાં બને છે.

પેનિક ઍટેક વિશેની ગેરસમજ.ઉપરોક્ત લક્ષણો અનુભવ્યા પછી ડૉક્ટર પાસે જઈને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી) રિપોર્ટ કઢાવો ત્યારે બધું નૉર્મલ હોવાનું સમજાય છે. પેનિક ઍટેક આવ્યો હતો એવું ડૉક્ટર જણાવે છે, પણ ઘરે આવ્યા પછી પીડિત વ્યક્તિને એવું લાગે છે કે તેની તકલીફનું કારણ તેના શરીરમાં જ છે, પણ ડૉક્ટર તેને શોધી શકતા નથી. પરિણામે પીડિત વ્યક્તિ ડૉક્ટર બદલતી રહે છે.એકાદ ડૉક્ટર પીડિત વ્યક્તિને મનોચિકિત્સક પાસે જવાની સલાહ આપે છે, પણ એ તેને ગમતું નથી, કારણ કે આ બધી તકલીફોનું કારણ તેનું મન છે એ પીડિત વ્યક્તિને સમજાતું નથી. તેથી એ મનોચિકિત્સક પાસે જવાનું ટાળ્યા કરે છે.

આ પ્રકારના દર્દી સાથે વાતચીત કરીને, તેને વિશ્વાસમાં લઈને ચિંતાનું કારણ શોધવું પડે.ઘરમાં બેસીને કોઈ તબીબી તપાસ વિના તકલીફનું નિદાન ન કરવું એવું ડૉક્ટરો સૂચવે છે. પેનિક ઍટેક અને હાર્ટઍટેક વચ્ચેનો ફરક ડૉક્ટર પીડિત વ્યક્તિની તપાસ, પરીક્ષણ કર્યા બાદ જ જણાવી શકે છે. ડૉક્ટરે કરેલું નિદાન ધ્યાનમાં લઈને એ મુજબ પીડિત વ્યક્તિનો ઉપચાર કરવો જોઈએ. મુંબઈ સ્થિત મનોચિકિત્સક ડૉ. રાજેન્દ્ર બર્વે બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે છાતીમાં અકારણ થતી પીડાને પેનિક સ્ટ્રેસ ડિસોર્ડર કહેવામાં આવે છે.

ડૉ. બર્વે કહે છે, “પેનિક સ્ટ્રેસ ડિસોર્ડરને કારણે વ્યક્તિને દિવસે કે રાત્રે ગમે ત્યારે શ્વાસ લેવામાં અચાનક તકલીફ થાય છે અને તેના હૃદયના ધબકારા વધી જાય છે. તેને હાર્ટઍટેક આવ્યો હોવાની શંકા પડે છે, જેને પગલે લોહીમાં ઍડ્રેનેલિનના પ્રમાણમાં મોટો વધારો થાય છે અને વ્યક્તિ ચરમ ઉત્તેજના અનુભવે છે. વ્યક્તિને એવું લાગે છે કે તેને હાર્ટઍટેક આવ્યો છે અથવા કોઈ મોટી બીમારી થઈ છે. આવું વિચારીને વ્યક્તિના મનમાં મૃત્યુના વિચાર કરતી થઈ જાય છે.”હૃદયના ધબકારા અચાનક વધી જાય ત્યારે સૌપ્રથમ પીડિત વ્યક્તિનો ઈસીજી કઢાવવાનું કામ સૌથી વધુ મહત્વનું છે.

એ પછી ડૉક્ટર દર્દીની બીમારીનું નિદાન કરી શકે છે. પીડિતને કોઈ શારીરિક બીમારી ન હોય તો તેના હૃદયના ધબકારા વધવાનું કારણ ચિંતા છે કે કેમ તેની તપાસ કરવી પડે. ડૉ. બર્વે કહે છે, “મોટા ભાગે એવું બને છે કે પોતાને હાર્ટઍટેક આવ્યો છે એવું ધારીને પીડિત વ્યક્તિ ડૉક્ટર બદલતી રહે છે. એક પછી એક એમ અનેક ટેસ્ટ કરાવતી રહે છે. એ પછી તે કાઉન્સેલર કે મનોચિકિત્સક પાસે જાય છે. પીડિત વ્યક્તિ તેનાં લક્ષણો પર ધ્યાન આપે તે જરૂરી છે. ચિંતાના આ રોગથી છૂટકારો મેળવવા માટે દવા, કાઉન્સેલિંગ અને દૈનિક જીવનમાં કેટલાક ફેરફાર સૂચવવામાં આવે છે. તેનું પાલન કરીને વ્યક્તિ ફરી સ્વસ્થ થઈ શકે છે.”

હાર્ટઍટેક અને પેનિક ઍટેક વચ્ચેનો ફરક.હૈયું ઝડપભેર ધડકવા લાગે અને બીજાં લક્ષણો અનુભવાય ત્યારે વ્યક્તિને એવું લાગે છે કે તેને હાર્ટઍટેક આવ્યો છે. તેથી તે ગભરાઈ જાય છે અને છાતીમાં ધડધડનાં કારણો તથા તેના ઉપાયની વિગત ગૂગલ પર શોધવા માંડે છે. તેને કારણે ગૂંચવાડો વધુ ગૂંચવાય છે. તેથી હાર્ટઍટેક અને પેનિક ઍટેક વચ્ચેનો ફરક સમજી લેવો જોઈએ. આ વિશે માહિતી આપતાં દિલ્હીસ્થિત મનોચિકિત્સક ડૉ. સુમિતકુમાર ગુપ્તા બીબીસીને કહે છે, “એ પરિસ્થિતિમાં વ્યક્તિને થોડી વારમાં સારું લાગે અને તે ગૂગલ વગેરેનો ઉપયોગ કરી શકે તો તેને હાર્ટઍટેક આવ્યો છે એવું ન કહેવાય, કારણ કે હાર્ટઍટેક આવ્યો હોય એ વ્યક્તિ કશું જ કરી શક્તિ નથી. તેને તરત દવાખાને લઈ જવી પડે છે.”

ડૉ. ગુપ્તા ઉમેરે છે, હાર્ટઍટેક આવ્યો હોય એ વ્યક્તિ ભય અનુભવે છે અને તેને બહુ પરસેવો વળે છે. તેને છાતીમાં જોરદાર પીડા થાય છે અને જડબા પર પણ તેની અસર જોવા મળે છે. ડૉ. ગુપ્તાના જણાવ્યા મુજબ, આવું હોય ત્યારે ડૉક્ટર પીડિત વ્યક્તિને ઈસીજી તથા બીજા કેટલાંક પરીક્ષણો કરાવવાની સલાહ આપે છે, જેથી તેની બીમારીનું ચોક્કસ નિદાન કરી શકાય.આવી અવસ્થા સતત સર્જાતી હોય તો તે પેનિક ઍટેક હોવાની શક્યતા વધારે હોય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને રોજ હાર્ટઍટેક આવતો નથી, એવું ડૉ. ગુપ્તા જણાવે છે.

પેનિક ઍટેક આવવાનું કારણ.સામાન્ય રીતે શારીરિક અને માનસિક કારણસર પેનિક ઍટેક આવતા હોય છે. શારીરિક ઉત્તેજના તેનું એક કારણ હોઈ શકે છે. કૉફી કે કેફીન, નિકોટિન ધરાવતાં પીણાં અને વધુ પડતી ચા પીવાથી કે ઉત્તેજક દ્રવ્યોના સેવનને કારણે પણ આ અવસ્થા સર્જાઈ શકે છે.સેરોટોનિન, થાઇરોઈડ કે ઍડ્રેનેલિનના પ્રમાણમાં થતો વધારો-ઘટાડો પણ તેનું કારણ હોઈ શકે છે. ઝડપથી શ્વાસ લેતી વ્યક્તિને પણ આવી તકલીફ થઈ શકે છે, એવું ડૉક્ટરો જણાવે છે. શારીરિક કારણો ઉપરાંત સતત ચિંતા, ડીપ્રેશન કે ભય તેમજ અવાંછિત ભયપ્રેરક ઘટના તેની કારક હોય છે. કોઈ વ્યક્તિ કે જંગલી પશુ સામે આવી જાય ત્યારે પણ વ્યક્તિને પેનિકનો અનુભવ થાય છે. કોઈ વ્યક્તિને દેખીતા કારણ વિના પણ પેનિક ઍટેક આવી શકે છે.

પેનિક ઍટેકનો અનુભવ થાય ત્યારે ડૉક્ટર પ્રાથમિક તપાસ કરીને કેટલાક ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. કેફીન ધરાવતાં પીણાં, ઍનર્જી ડ્રિંક્સ, નિકોટિન તેમજ અન્ય કોઈ પણ પ્રકારનાં ઉત્તેજક પીણાંનું સેવન બંધ કરવાની સલાહ પણ ડૉકટર આપે છે. પેનિકનો અનુભવ કરતી વ્યક્તિએ તાણ-સ્ટ્રેસ ઘટાડવાના પ્રયાસો કરવા જોઈએ. સૌથી મહત્ત્વની વાત એ કે તેણે ડૉક્ટર પાસે જઈને બધું સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ. ડૉક્ટર અને મનોચિકિત્સક દર્દીનાં લક્ષણોનો અભ્યાસ કરીને ઉપચારપદ્ધતિ નક્કી કરે છે. ગૂગલ પરથી માહિતી મેળવીને જાતે ઉપચાર કરવાને બદલે ડૉક્ટર મારફત વ્યવસ્થિત નિદાન કરાવવું જોઈએ. ડૉક્ટરની સલાહ અનુસાર, યોગ્ય આહાર લેવો જોઈએ અને શવાસન સહિતનો યોગ્ય વ્યાયામ કરવો જોઈએ.

Advertisement