બોરસદ નજીક તળાવના ખોદકામમાં મળી આવ્યુ વિશાળ શિવલિંગ, લોકો દર્શન માટે દોડી આવ્યા….

આણંદના બોરસદ નજીક ખોદકામ દરમિયાન શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કરાઇ રહ્યો છે. આ અંગેના વાવડ વહેતા થતાં પંથકવાસીઓ શિવલિંગ જોવા માટે ઉમટી પડ્યા હતા. જેને લઈને સ્થળ પર લોકોના ટોળાના દ્રશ્યો સર્જાયા હતા. રેલવેની કામગીરીના ખોદકામ દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા પેટા વિભાગના અભેતપુરા તળાવ ખાતે શિવલિંગની પ્રતિકૃતિ શોધવા લોકો એકઠા થયા હતા. આ અંગેની જાણ થતાં મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Advertisement

માટીમાંથી મળી આવેલી પ્રતિકૃતિ અંગે બોરસદ મામલતદાર આરતીબેન ગોસ્વામીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તે શિવલિંગ છે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે તે પુરાતત્વ વિભાગનો વિષય છે. અલારસા સબડિવિઝન હેઠળ આવતા અભેતપુરા તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે. તળાવના ખોદકામ દરમિયાન ડાબી બાજુએ એક જૂનું ઝાડનું થડ મળી આવ્યું હતું. લોકો ઝાડનું થડ સમજી ગયા.

બે દિવસ દરમિયાન વરસાદમાં લથબથ થડ પાણીમાં વહેતા શિવલિંગના આકારમાં કૃતિ જેવું લાગતું હતું. શનિવારે જ્યારે ગામના લોકો તળાવ પાસે એકઠા થયા ત્યારે તેમને એક જૂની કાળી માટીનો કોટિંગ મળ્યો, જે શિવલિંગ જેવો દેખાતો હતો. સમાચાર સાંભળી આસપાસના ગામડાઓમાં લોકો એકઠા થઈ ગયા. મામલતદાર આરતીબેને જણાવ્યું હતું કે આ બાબતે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવશે અને ચોક્કસ પ્રતિકૃતિની ખરાઈ કરવામાં આવશે.

બીજી તરફ તંત્ર દ્વારા તળાવ તુટી જવાની શક્યતા હોવાથી લોકોને તેનાથી દૂર રહેવા અપીલ કરી હતી અને પોલીસે પણ તળાવથી દૂર રહેવા જણાવ્યું હતું. જેને જોવા માટે હાલ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારબાદ આ અંગે આસપાસના લોકોને જાણ થતા લોકો શિવલિંગ હોવાના દાવા સાથે આસ્થાભેર દર્શન કરવા આવી રહ્યા છે.

વધુમાં પૂજન-અર્ચન થકી ધર્મિક લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહી જેમ-જેમ આ અંગે લોકોને જાણ થઈ રહી છે તેમ આજુબાજુના ગામમાથી પણ લોકો આવી રહ્યા છે ત્યારે તંત્રના સબંધિત વિભાગના અધિકારીઓ આ અંગે તપાસ કરે તો જાણવા મળે કે આ ખરેખર શિવલિંગ છે કે કેમ?

Advertisement