ગુજરાતમાં કાલે આ વિસ્તારમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ, હજુ પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ…

રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. નવસારી, સુરત, દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી મોસમનું આગમન થઈ ગયું છે. ગુજરાત હવામાન વિભાગએ આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisement

આ સાથે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આ સાથે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. તેમણે 24 જૂનથી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.સોમવારે રાજ્યના 87 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 9.92 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં પણ સારો વરસાદ થયો હતો. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. સોમવારે ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને કેટલીક જગ્યાએ લોકોના ઘરોમાં પાણી આવી ગયા હતા.

તેવી જ રીતે વલસાડ જિલ્લાના વાપી અને વલસાડ શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. વાપી, વલસાડ અને પારડી તાલુકામાં સાડા ચારથી પાંચ ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તેવી જ રીતે વલસાડ શહેરના અબ્રામા અને છીપવાડ રેલવે કલ્વર્ટ પર પણ પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

આમ, વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ રહ્યો હતો અને તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે વાવણી લાયક વરસાદ થતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સોમવારે રાજ્યમાં વરસાદના આંકડા તપાસીએ તો રાજ્યના કુલ 87 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સાથે ઉમરગામમાં સૌથી વધુ 9.92 ઈંચ વરસાદ નોંધાયો છે.

વલસાડમાં 4.56 ઈંચ, વાપીમાં 3.76 ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 3.6 ઈંચ, વલસાડના પારડીમાં 3.2 ઈંચ, નર્મદાના તિલકવાડામાં 2.84 ઈંચ અને કપરાડામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે નવસારીના ખેરગામમાં બોટાદના બરવાળામાં 50 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો તેની રાહ જોવી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 જૂન પછી વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 22 જૂન સુધી વાદળછાયું આકાશ રહેશે. તેની સાથે સામાન્ય વાવાઝોડું પણ આવી શકે છે. 24 જૂને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. એક ખાનગી સંસ્થાના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 23 જૂનની બપોર બાદ હળવો વરસાદ થવાની સંભાવના છે.

27 જૂન પછી અમદાવાદમાં પણ ચોમાસું જામી જવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. જેમાં વિસ્તારની જો વાત કરીએ તો ગઇકાલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરતમાં વરસાદી ઝાપટું પડતા વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી હતી.

Advertisement