2 દિવસ બાદ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ની આગાહી,તંત્ર એ જાહેર કર્યું એલર્ટ…

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ મેઘ મહેર જોવા મળી રહી છે ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક ઝાપટા પડી રહ્યા છે, તો ક્યાંક ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરીથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના સંકેત આપ્યા છે.

Advertisement

હવામાન વિભાગે શનિવારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ સંકેતો આપ્યાં છે. મંગળવાર રાત્રીના 12 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે અને હાલની સ્થિતિ યથાવત છે. જોકે ચાર-પાંચ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હળવા ઝાપટા ચાલુ છે. જેના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 30 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા 30 જિલ્લાઓ ના 184 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડા અને ખેડાના માતર તાલુકામા 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના વસો અને નડીયાદ તાલુકામાં પણ 3-3 ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના પોશીના તાલુકામાં ૩ ઈંચ, ખેડાના મહેમદાવાદ તાલુકામાં અઢી ઈંચ, પંચમહાલના હાલોલ તાલુકામાં અઢી ઈંચ તથા અન્ય 37 તાલુકાઓમાં 1 થી 2 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સિઝનનો 59.86 ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં વરસી રહેલા સારા વરસાદના પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 20 તારીખ સુધીમાં 56.54 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,84,619 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 104 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં 74 ટકા અને મધ્ય ગુજરાતમાં 47 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33 ટકા વરસાદ વરસ્યો છે.

Advertisement