ગુજરાતના આટલા જિલ્લાઓ માં ધોધમાર વરસાદ ની આગાહી,જાણો નવી આગાહી…
ગુજરા માં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે હિરણ નદીના પાણી તાલાલા શહેરમાં ઘુસતાં નદી કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હજું 2 દિવસ અમરેલી, ભાવનગર અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે બાકીના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 19થી 23 જુલાઇ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં રીત સર આભ ફાટ્યું હતી અને 24 કલાકમાં 22 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વેરાવળમાં 24 કલાકમાં 20 ઈંચ વરસાદ પડ્યો હતા જ્યારે તાલાલામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ રાજકોટના ધોરાજીમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો.
વીતેલા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. કોડીનારમાં 9 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ વરસાદ, જામકંડોરણામાં 7 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ વરસાદ જ્યારે મેંદરડા, માળીયા હાટીના, વાપીમાં સવા 4 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેર, પેટલાદમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 41 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસાદ પડી રહ્યો છે.
અમરેલી શહેર, લાઠી શહેર, બાબરા, રાજુલા, ખાંભા અને ધારી સહિત મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ છે. સુરતના સહારા દરવાજા પાસે સરકારી બસ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગઈ હતી. સુરત શહેરના લિંબાયતમાં માત્ર બે કલાકમાં ચાર 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણ સમા પાણી વહેવા લાગ્યાં હતાં.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નદી-નાળાં છલકાયાં હતાં. જાંબુઘોડામાં વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદને કારણે નદી-નાળાં છલકાયાં હતાં. સુખી નદી બે કાંઠે વહેતી થઈ હતી તેમ જ ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં